ગરવી ગુજરાત નો અખો ગરવો જ્ઞાનનો વડલો અને જીવનનું તત્વજ્ઞાન

 


ગરવો જ્ઞાનનો વડલો અખો...

સંસ્કૃતમાં કહેવત છે કે પવન દીવાને હોલવી નાખે છે, પણ દાવાનળને ફેલાવે છે. સંકટનું કાર્ય પણ એવું જ છે. ઉપરાઉપરી સંકટોથી પોચો માણસ હતાશ થઈ જાય છે, નાસ્તિક બને છે કે ભલાઈનો ત્યાગ કરે છે. જ્યારે આવાં જ સંકટો કોઈ વિભૂતિ પર આવી પડે છે ત્યારે તે ચિત્તસાગરના ઊંડાણમાં ડૂબકી મારે છે

અને તેમાંથી અસાધારણ તેજસ્વી મોતી લઈને બહાર આવે છે. આવા મરજીવા માનવીઓમાં ગુજરાત ના અમદાવાદનો સોની અખો અવિચળ સ્થાન ભોગવે છે. મધ્યકાલીન ગુજરાતી કવિઓમાંથી મોટા ભાગના કવિઓએ પૌરાણિક આખ્યાનો કહ્યાં છે - ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન તેમજ કૃષ્ણ-ભક્તિના શૃંગારનાં પદો ગાયાં છે, પરંતુ હાથમાં બેધારી તલવાર લઈ દંભ, પાખંડ અને વહેમી પ્રણાલીઓ સામે ઝઝૂમનાર તો જ્ઞાની કવિ અખો જ છે.

અખો જન્મે સોની કેટલાકને મતે પરજિયો સોની તો કેટલાકને મતે શ્રીમાળી સોની. ગુજરાત ના અમદાવાદ નજીક જેતલપુર ગામનો એ મૂળ વતની. બાપનું નામ રહિયાદાસ. રહિયાદાસને ત્રણ દીકરા. ગંગારામ, અક્ષયદાસ અને ઘમાસી. અખો અને ઘમાસી નિર્વંશ મર્યા. ગંગારામના વંશજો હજી અમદાવાદમાં વસે છે.

 અખો બાળપણમાં જ માનું સુખ ખોઈ બેઠેલો અને તે પછી ધંધાર્થે પિતાની સાથે અમદાવાદ આવીને વસેલો. ખાડિયા, દેસાઈની પોળમાં, કૂવાવાળા ખાંચામાં આજે પણ અખાજીના ઓરડા તરીકે એનું થાનક અમદાવાદમાં સાચવી રખાયું છે.

અખો નાની ઉંમરે પરણેલો. પહેલી પત્ની ઝઘડાખોર હતી. તેના મૃત્યુ બાદ એ બીજી વાર પરણેલો. તેની સાથે તે સુખી હતો, પણ એય બિચારી ઝાઝું જીવી નહિ. અખો પૂરો પગભર થાય તે પહેલાં તે બાપના સુખથી પણ વંચિત બન્યો.

 અખાની બહેન પણ નાની ઉંમરમાં મૃત્યુ પામી હતી. જમના નામની એક બાઈને તેણે ધર્મની બહેન ગણી હતી. તેણે ત્રણ સો રૂપિયા કંઠી ઘડવા અખાને આપ્યા હતા. અખાએ જેને ધરમની બહેન માની હતી તેને - પોતાના પંડના સો રૂપિયા ઉમેરીને ચાર સોની કંઠી કરી આપી.

 પણ બહેનને વિશ્વાસ ન આવ્યો. એ ચકાસવા ગઈ સોનીના ધંધાને જ યાદ રાખીને, ભાઈના હૃદયને નહિ, અખાને આ વાતની ખબર પડતાં એનું મન આઘાત પામી ગયું. આ ઉપરથી સંસારના સંબંધો કેવા જૂઠા અને સ્વાર્થી છે તે અખાના દિલમાં સચોટ વસી ગયું.

આ જ સમય દરમિયાન તેની કસોટી કરે તેવો એક બીજો પ્રસંગ પણ બની ગયો. સંવત ૧૯૭૪માં અમદાવાદમાં બાદશાહ જહાંગીરે એક ટંકશાળ સ્થાપી હતી, એ ટંકશાળમાં અખો મહત્ત્વના અધિકારીની પદવી ધરાવતો હતો.

 કેટલાક ખટપટિયાઓએ બાદશાહના કાન ભંભેર્યા કે અખો ઊંચી ધાતુના સિક્કાઓમાં બીજી હલકી ધાતુ ભેળવે છે. અખા પર આળ આવ્યું અને રાજ્યે એને કેદ કર્યો. તપાસ ચાલી, તપાસને અંતે સાબિત થયું કે અખો નિર્દોષ છે. અખો છૂટી ગયો, પણ એનું મન ખાટું થઈ ગયું. પોતે સ્વેચ્છાએ એ સ્થાનેથી છૂટો થઈ ગયો.

 એને ખૂબ નિર્વેદ થઈ ગયો. તેણે સોનીના ધંધાને તિલાંજલિ આપી, ધંધાનાં ઓજારો કૂવામાં પધરાવીને દુનિયાના નિષ્ઠુર અને સ્વાર્થી વ્યવહારોથી દુભાયેલો અખો સત્યની શોધમાં નીકળી પડ્યો.

અખો મૂળ વૈષ્ણવ. ગોકુળનાથને ગુરુ કર્યાનો ઉલ્લેખ કવિ પોતે એક છપ્પામાં કરતા હોઈ એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના અનુગામી રહ્યા હોવાનું જણાય છે. પરંતુ એનાથી એને ઝાઝો સંતોષ થયો લાગતો નથી.

વારસામાં મળેલા ધાર્મિક સંસ્કારોને દૃઢ કરવા અને કશુંક નવું પામવા એ ગોકુળ ગયો. પૂરો પૈસાપાત્ર અને દેખાવે શેઠિયા જેવો એટલે ત્યાંના વૈષ્ણવ મંદિરમાં એનો સારો સત્કાર થયો, પરંતુ આ સત્યશોધક જિજ્ઞાસુને પુષ્ટિમાર્ગી મહારાજોના મોજશોખ અને વિલાસ જોઈ બહુ જુગુપ્સા ઉત્પન્ન થઈ. એટલે ત્યાંથી તે કાશી તરફ ચાલી નીકળ્યો.

Post a Comment

Previous Post Next Post